માર્ગદર્શન ગુજરાત યાત્રા 29.11.09 to 07.12.09

માર્ગદર્શન ગુજરાત યાત્રા

૨૯.૧૧.૦૯

આજનો દિવસ વલસાડ અમારા ઘરમાં પેસ્ટ કન્ટ્રોલની ટ્રીટમેન્ટ કરાવવામાં ગયો.

ચીખલી અને ખાટાઆંબામાં માર્ગદર્શન ..  ૩૦.૧૧.૦૯

રીપોર્ટ

સવારે ૯.૩૦ કલાકે વલસાડથી માતાપિતાના આશિર્વાદ લઇને માર્ગદર્શન ગુજરાત યાત્રાના વલસાડથી દક્ષિણ, પૂર્વ દિશાના ગ્રામ્યવિસ્તાર બાદ ઉત્તર દિશાનો સળંગ પ્રવાસ ચીખલીના પહેલા પડાવ માટે શરૂ કર્યો.

મ.મી.મો.વા.માં હવે એ બધી જ ચીજવસ્તુઓ અને સામગ્રીઓ મુકાઇ ગયા .. ગોઠવાઇ ગયા છે જેની અમને આગામી ૬ મહિના દરમ્યાન જરૂર પડવાની સંભાવના છે. મખમલી સવારનો સુંવાળો તડકો, હાઇવે પરનો હળવો ટ્રાફિક, તૃપ્તિનો સંગાથ … માર્ગદર્શન ગુજરાત યાત્રાના અભિયાના પ્રારંભે જરૂરી એવું પ્રોત્સાહન વધારી રહ્યા હતા.

૧૦.૧૦ કલાકે અમે કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ પ્રોફેશનલ સ્ટડીઝના ઇનચાર્જ આચાર્ય શ્રી. અશોકસિંહ સોલંકીની ઓફિસમાં હતા.તેમની સૂચનાનૂસાર બીસીએના પહેલા, બીજા અને ત્રીજા વર્ષમાં ભણી રહેલા આશરે ૩૫૦માંથી હાજર રહેલા ૭૫ વિદ્યાર્થીઓ કોલેજના મલ્ટીમીડીયા પ્રેઝેન્ટેશન રૂમમાં બેસી ગયા હતા. શિક્ષકગણની સંખ્યા ૧૦ની હતી. કાર્યક્ર્મની તદ્દન ટૂંકી પૂર્વભૂમિકા આપીને ફિલ્મ પ્રદર્શન ૧૦.૩૦ કલાકે શરૂ કર્યું.

બપોરે ૧.૩૦ કલાકે ચીખલીના ખૂબજ પ્રખ્યાત એવા પુરોહિત ગુજરાતી ડાઇનિંગ હોલમાં અમારા ભોજનની વ્યવસ્થા હતી. ખરેખર, પીરસાયેલી રોટલીઓ ખાતાં એમ ન જ લાગે કે તે ઘરની બહાર બનેલી છે.

૨.૩૦ કલાકે ચીખલીથી નીકળી ૨૫ કિ.મી.નું અંતર ૩.૧૦ કલાકે ડો. કે એમ વૈદ્યને ત્યાં પહોંચીને પૂર્ણ કર્યું.

બપોરની ચાહ પીને ૪.૩૦ કલાકે અમે વાંસદાથી ઉત્તરપૂર્વમાં ૧૦ કિ.મી. દૂર આવેલ ગામ ખાટાઆંબા જવા નિકળ્યા. શાંત અને નિર્જન લીસ્સા રસ્તા પર મ.મી.મો.વા સરકી રહી હતી. એકલદોકલ વ્યક્તિ કે સાઇકલ સવાર ક્યાંક દેખાઇ જતા. મહારાષ્ટ્રની સરહદ અહિંથી ફક્ત ૧૨ કિ.મી. દૂર આવેલ છે. વાંકાચૂકા ચઢાવ ઉતારવાળા રસ્તાઓ પર થઇને અમે ખાટાઆંબા પહોંચી ગયા.

શ્રમજીવીવર્ગ અને ખેતમજૂરોના બાળકોને ધોરણ ૧ થી ૮ સુધીનું સરકારી શિક્ષણ આપતી આ શાળાના મોટા બાળકો જેમને અમે લગભગ બે વરસના સમય બાદ મળી રહ્યા હતા તેઓ અમારા ત્યાં પહોંચવા પર અમને જોઇને આનંદિત થઇને કીકીયારી પાડી ઉઠયા એ ક્ષણનું વર્ણન કેવી રીતે કરૂં ?

ફિલ્મ પ્રદર્શન દરમ્યાન બાળકોનું મુક્ત હાસ્ય સાંભળવાનો રોમાંચ, મને પડદા પર અને સાથે સાથે રૂબરૂ તેમની વચ્ચે જોવાથી તેમની આંખમાં ઉભરાતા આશ્ચર્યને માણવાની મજા લઇ રહ્યો હતો.

અવલોકન

ચિખલી

અનુશાસન, શિસ્ત અને સંયમ તેમની વર્તણુકમાં જણાયો.
આ પ્રકારની પણ ફિલ્મ હોય તેની ઘણાને નવાઇ લાગી.
યુવાન વયના વિદ્યાર્થીઓ પર ફિલ્મ અને ગ્લેમરનો પ્રભાવ કેવી અસર પાડે છે તે જોયું.
સંવાદની શરૂઆતની દસેક મીનીટ બાદ તેમનો સંકોચ સંપૂર્ણપણે દૂર થઇ ગયો હતો.
બહેનોના સવાલ સામાજિક અને ભાઇઓના સવાલ કારકીર્દી વિષયોને લગતા હતા.

ખાટાઆંબા

પોતાને પહેલી વાર આવી રીતે ફિલ્મમાં અને મોટા પડદે જોઇ રહેલા બાળકોને થયેલી ખુશીનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.
ફિલ્મ દરમ્યાન મારી કોમેન્ટરીમાં બાળકો અને શિક્ષકોને કદાચ રસ નહિં પડે એમ માનીને મારી કોમેન્ટરી દરમ્યાન વીસીડી ફાસ્ટફોરવર્ડ કરી. ધોરણ સાત અને આઠના બાળકો સાથે સવાલ જવાબ કરતી વખતે તેમણે મને પૂછયું કે તમારી ઇસ્પીચ વખતે કેમ કેસેટ દોડાવી દીધી ? મારા અચંબાનો પાર ન રહ્યો.
શિક્ષકભાઇઓએ પણ જણાવ્યું કે તમારી સ્પીચ સાંભળવાથી પ્રેરણા મળતી હતી. કદાચ એકથી ચારના બાળકોને ન સમજાય પણ પાંચથી આઠના બાળકોને પણ તેમાંથી શીખવા અઅને જાણવા જેવું ઘણું મળતે. મને ક્ષણિક અફસોસ થયો.

માર્ગદર્શન ગુજરાત યાત્રા

વાંસદામાં માર્ગદર્શન … ૦૧.૧૨.૦૯

રીપોર્ટ

ઘરેથી બનાવેલા થેપલા અને ગરમ દૂધનો નાસ્તો કરીને સવારે ૯.૦૦ વાગ્યે અમે શ્રી મગનભાઇના ફોનની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ફોન પર અત્યંત સ્ફૂર્તિલા અને જીવનની એકેએક ક્ષણ જીવવાની તેમજ ઉપયોગમાં લેવાની જબરજસ્ત કુનેહ ધરાવતા વાંસદાની પ્રતાપ હાઇસ્કૂલના આચાર્ય મગનભાઇએ આચાર્યસંઘના તમામ આચાર્યોને માર્ગદર્શન ગુજરાત યાત્રાની જાણ કરતાં સરક્યુલર સમયસર પહોંચતા કરીને પોતાની શાળા ઉપરાંત બીજી ચાર શાળાઓમાં ફિલ્મ શોનું આયોજન કરવામાં સરાહનિય સક્રિયતા દાખવી.

સવારે ૧૦.૩૦થી ૧૨.૪૫ ..  સરકારી વિનયન કોલેજના ૨૨૫ જેટલા યુવાન વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું
બપોરે ૧.૦૦થી ૧.૨૦ ..  ભાવિન ભાવસારને ત્યાં ભોજન.(ત્રણ રોટલી, દાળ, બટાકાનું શાક, ચણા, ગોળ, કાંદા અને ટમેટાનું કચુંબર અને  ભાત )
બપોરે ૨.૦૦થી ૩.૧૫ .. પ્રતાપ હાઇસ્કૂલના ધોરણ ૧૨ના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું
બપોરે ૩.૨૫થી ૪.૩૦ .. પ્રતાપ હાઇસ્કૂલના ધોરણ ૧૧ના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું
સાંજે ૫.૨૦થી ૬.૪૫ પ્રદ્યુમનભાઇ સાથે સહ્યાદ્રી પર્વત માળાની તળેટીમાં ૭ કિ.મી. ખેતર, કોતર અને નહેરની કિનારે ચાલ્યા.
રાત્રે ૭.૦૦ પ્રદ્યુમનભાઇના પરિવાર સાથે રાત્રી ભોજન (ત્રણ રોટલી, તુવેરદાણા અને વેગણનું શાક, અથાણું, પાપડ અને એલચીયુક્ત દૂધ.)

અવલોકન

સરકારી વિનયન કોલેજમાં સ્વતંત્રતાનો માહોલ જોવા મળ્યો. માઇકલ જેકસનના ફોટાવાળી ટી શર્ટ, ચૂસ્ત જીન પેન્ટ અને કાનમાં બુટ્ટી પહેરેલા યુવાનો મળ્યા તો સલવાર કમીઝ અને દુપટ્ટા પહેરેલી બહેનો પણ જોવા મળી. તેમની બોલીમાં ‘છ’ને બદલે ‘સ’નો ઉપયોગ વધારે થતો સાંભળ્યો. શહેરની કોલેજોમાં જોયા જેવું જ વાતાવરણ અને પહેરવેશ અહિં જોઇને નવાઇ જરૂર લાગી પણ પ્રસારમાધ્યમોના વ્યાપે ફેશન અને ગ્લેમરને યુવાનો વચ્ચે કેટલી હદે જોડી દીધી છે તેનો ખ્યાલ આવ્યો. સૌને એકઠા કરીને હોલમાં એકત્રીત કરવાનું કામ ઇ.ચા. આચાર્યને પણ કઠીન લાગ્યું. ગયા સપ્તાહે જ સર્વાનુમતે સ્વીકારાયેલ જીએસમાં ઉત્સાહ જરૂર દેખાયો પણ નેતૃત્વ જુદા જ પ્રકારનું હતું. વિદ્યાર્થીઓને ઘરે વહેલા જવા મળેલી આ તકનો લાભ લેવો કે .. ફિલ્મ શો જોવા રોકાવું જેવો નિર્ણય કરી ન શકતા જોવાની મજા આવી. તૂટેલા કાચ વાળી બારીઓમાંથી આવતો પ્રકાશ ફિલ્મ શો માટે બાધાજનક બન્યો. થોડી ઉગ્ર પણ તદ્દન ટૂકી પૂર્વભૂમિકાએ તેમને ખ્યાલ આપ્યો કે આ ફિલ્મ શો તેમને માટે કેટલો મહત્વનો હોઇ શકે. બાદ આપેલ પાંચ જ મીનીટમાં જેમણે જતા રહેવું હોય તે જતા રહે અને જેમણે અન્ય મિત્રોને બોલાવી લેવા હોય તે બોલાવી લે .. ના વિકલ્પે ફરી વાર તેમની નિર્ણયશક્તિનો ક્યાસ લીધો. ૪૪ મીનીટની ફિલ્મ જોયા બાદ વિદ્યાર્થીઓના જીવનમાં બનેલ આ ઘટનાએ તેમને વિચારશૂન્ય બનાવી દીધા હોય એમ લાગ્યું અથવા કદાચ ઘણા બધા સવાલ ઉદભવ્યા હોય પણ કેવીરીતે પૂછવા તે મુંઝવણ અનુભવતા હોય. તેમની વિચારવાની શક્તિ અને દિશા નક્કી થાય તે હેતુલક્ષી મારા અનુભવની વાતો કરી.

પ્રતાપ હાઇસ્કૂલના બાળકો અતિશય ચંચળ, બાલિશ અને દેખાતી બાહ્ય દુનિયાની ઝાકઝમાળથી અંજાયેલા લાગ્યા. ફિલ્લમ જોવાની છે, ચાલો મજા આવશેના વિચારે આવેલ અને કરેલ કલ્પના બહારની ફિલ્મ જોવા મળી. તેમના મન, બુધ્ધી અને લાગણી પર ફિલ્મે જે અસર ઉભી કરી તેનાથી મને ફિલ્મમેકર તરીકે સંતોષ જરૂર થયો પણ તેમની પ્રશ્નો ન પૂછી શકવાની સ્થિતીએ મને વિચારતો કરી મૂક્યો. કેટલાક સંવેદનશીલ બાળકો મારી પાસે ફિલ્મ શોને અંતે મને મળવા અને પૂછવા આવ્યા કે, સર, કેમ અમે તમને સવાલ પૂછી જ ન શક્યા ? મેં જવાબ આપ્યો, પૂછતા પૂછતા પેરિસ પણ જવાય. બસ, હું આવું પૂછીશ તો બીજા શું વિચારશે તેનો વિચાર કર્યા વગર થોડી અમથી હિંમત ભેગી કરી લો તો તમે સરળતાથી સહજ રીતે સવાલ પૂછી જ શકશો.

માર્ગદર્શન ગુજરાત યાત્રા

આંગલધરા અને અનાવલમાં માર્ગદર્શન … ૦૨.૧૨.૦૯

રીપોર્ટ

વાંસદાથી સવારે ૮.૩૦ કલાકે મગનભાઇને મળીને આંગલધરાની સનાતન કન્યાવિદ્યાલય, અનાવલની કે.એમ સાર્વજનિક હાઇસ્કૂલ અને વલ્લભાશ્રમના બાળકો / વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શો યોજવાનું આયોજન છે.

સીએનજી ખલાસ થયો. પેટ્રોલ લીધું.આંગલધરા સનાતન કન્યા વિદ્યાલય પહોંચ્યા.સંસ્થાના પ્રમુખને મળ્યા. પત્ર આપ્યો. અમારા માટે ચા બનાવડાવી. અમે ચા પી રહ્યા હતા તે દરમ્યાન સવારની પ્રાર્થના પૂરી થયા બાદ તરત જ ધોરણ ૮ થી ૧૨ની ૬૦૦ વિદ્યાર્થીનીઓને સભાખંડમાં એકત્રીત કરીને બેસાડી દીધી. બરાબર ૧૧ને ટકોરે ફિલ્મ શો શરૂ થયો. ૧૧.૪૫ થી ૧.૪૫ સવાલ જવાબ ચાલ્યા.

બપોરે ૨.૦૦ વાગે ભોજનમાં દાળ, ભાત અને પાપડ લઇને વિદ્યાર્થીનીઓના લાગણી સભર ‘ફરી ચોક્કસ આવજો’ ના આમંત્રણ સાથે અનાવલની કે.એમ. હાઇસ્કૂલના આચાર્ય ચંદ્રકાંતભાઇ પટેલને મળ્યા.પત્ર આપ્યો. અમારા માટે ચા મંગાવી. અમે ચા પી રહ્યા હતા તે ધોરણ ૧૧ના ૨૨૯ વિદ્યાર્થીઓને સભાખંડમાં એકત્રીત કરીને બેસાડી દીધી. બપોરે ૨.૪૫ કલાકે ફિલ્મ શો શરૂ થયો. ૩.૩૦ થી શાળા છૂટવાના સમય સુધી ૪.૪૫ સવાલ જવાબ ચાલ્યા.

સાંજે ૫.૩૦ કલાકે અમે મોક્ષમાર્ગી સંપ્રદાયની ધોરણ ૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ચાલતી રેસીડેન્શીયલ સ્કૂલ વી.એમ.એમ. વલ્લભાશ્રમ પહોંચ્યા. સંસ્થાના પ્રમુખને મળ્યા. પત્ર આપ્યો. અમારા માટે ચા બનાવડાવી. અમે ચા પી રહ્યા હતા તે દરમ્યાન અમારા રાત્રી રોકાણની વ્યવસ્થા માટે સૂચનાઓ આપી. અમે નિવાસ પર ગયા. ફ્રેશ થયા. સંકૂલના મેદાનમાં રમી રહેલા બાળકોને જોઇ રહ્યા. સાંજની પ્રાર્થનાનો ઘંટ વાગ્યો. સાંજની પ્રાર્થના પૂરી થયા બાદ રાત્રી ભોજનનો ઘંટ વાગ્યો. સૌની સાથે અમે પણ રસોડે ગયા. ભોજન લઇ રહેલા ૨૮૫ વિદ્યાર્થીનીઓને ભોજન બાદ સભાખંડમાં એકત્રીત થઇને બેસવાની સૂચના અપાઇ ગઇ. રાત્રે ૭ કલાકે ફિલ્મ શો શરૂ થયો. ૭.૪૫ થી ૯.૪૫ સવાલ જવાબ ચાલ્યા.

અવલોકન

શરૂઆતમાં અતિશય શરમાળ … પણ પાછળથી ધીમે ધીમે ખીલેલા વિદ્યાર્થીઓની મુખ્ય સમસ્યા એ જ કે … ‘શું પૂછીએ?’

માર્ગદર્શન ગુજરાત યાત્રા

ઉનાઇમાં માર્ગદર્શન … ૦૩.૧૨.૦૯

રીપોર્ટ

સવારે ૭ વાગ્યે હુંફાળા પાણીથી સ્નાન કરી ઉનાઇ જવા તૈયાર થઇ ગયા. દિપકભાઇના આવવાની રાહ જોતા હતા. તેમની સાથે સવારની ચા અને નાસ્તો કરવાના હતા. હું તો સીધો રસોડે પહોંચી ગયો. રાજુભાઇ અને રમેશભાઇ ફરજ પરના રસોઇયાઓ હતા. છાત્રાલયમાં ૨૮૫ બાળકો ઉપરાંત કેટલાક સ્ટાફના સભ્યો માટે રસોઇ બનાવવા માટેના મોટા મસ વાસણો અને બર્નર તેમજ બળતણ માટેનું ગેસ કનેક્શન જોવા મળ્યા. એક કપ ચા બનાવવાનો મને અનુભવ અને આજે જોયું કે ૫ લીટર દૂધની થેલીમાંથી ૧૨ લીટર જેટલી ચા કેવી રીતે બને !

ગઇકાલની રાત્રે ભોજનમાં લીધેલ રોટલી, વટાણા અને ખીચડીએ તૃપ્તિના પેટમાં આજે ગરબડ કરી મૂકી હતી. તેથી તે થોડી અસ્વસ્થ હતી. દિપકભાઇ થોડા મોડા પડયા. અમે નાસ્તો … સેવ, પાપડી, બીસ્કીટ અને ચા છેક સવા નવે કર્યો.

લગભગ દસ વાગ્યે અમે વલ્લભાશ્રમથી ઉનાઇ આવવા નીકળ્યા. સાડાદસે અમે ઉનાઇની જનતા હાઇસ્કૂલ આવી પહોંચ્યા. આચાર્ય શ્રી આર એલ રાજયગુરુને મળ્યા. વાંસદાથી મગનભાઇએ તેમને ફોન પર કાર્યક્રમની જાણકારી આપી રાખી હોવાથી અમારે વધારે રાહ જોવાની ન હતી. ત્રીજે માળ સભાખંડમાં ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને લઇને પહેલો ફિલ્મ શો ૧૧ વાગે શરૂ કર્યો.

બપોરે બે વાગે હળવું જમ્યા બાદ ૨.૪૫ કલાકે ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓ માટે બીજો ફિલ્મ શો શરૂ કર્યો.

રાત્રી રોકાણ જીલ્લા પંચાયતના આરામગૃહમાં કર્યું.

અવલોકન

શરૂઆતમાં શરમાળ … પણ ખૂબ જ જીજ્ઞાસુ વિદ્યાર્થીઓની મુખ્ય સમસ્યા એ જ કે … ‘શું પૂછીએ?’

માર્ગદર્શન ગુજરાત યાત્રા

કડોદમાં માર્ગદર્શન – ૧ … ૦૪.૧૨.૦૯

રીપોર્ટ

બાજીપુરા સ્કૂલમાં અમારો પરિચય થયો શિક્ષીકા કુ. પ્રિયંકા મહિડા સાથે. તેના આમંત્રણે અમે સાંજે પહોંચ્યા તેના ગામ કડોદ. આર્થિકરીતે મધ્યમ વર્ગના કુલ છ સભ્યોના રાજપૂત પરિવારમાં જયપાલસિંહ ગ્રામસેવક, સરોજબહેન ગૃહિણી અને તેમના ત્રણ સંતાન પ્રિયંકા, રીયંકા અને ભરદ્વાજ ઉપરાંત સરોજબહેનના પિતાજીના અમે મહેમાન બન્યા.અમારા જેવા અજનબી અતિથીને આત્મિયતાથી છલકાતો આવકાર આપનાર આ પરિવારનું હ્રદય કેટલું વિશાળ છે તે તો તેમને ઉંબરે પહોંચતા જ અનુભવી લીધું. સાંજની ચા પીધા બાદ તરત જ કડોદ હાઇસ્કૂલના આચાર્યને મળવાનું નક્કી કર્યું. તેમણે બાળકોના વિવિધહેતુલક્ષી વિકાસ માટે કરેલા કાર્યક્રમોની માહિતી આપી. બીજે દિવસે શનિવાર હોવાથી શાળા સવારની અને ૮ થી ૧૧ નો સમય ચાલવાની હતી. છાત્રાલયમાં રહેતા ૧૧૦ બાળકો માટે આજે જ રાત્રે ફિલ્મ શો કરી લેવાનો મારો વિચાર તેમને ગમ્યો. અત્યંત આગ્રહ સાથે કરાવેલ રાત્રી ભોજન બાદ અમે છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શો કરવા ગયા. જયપાલભાઇના ફળીયામાં રહેતા લોકોને તેમજ તેમના સંતાનોના મિત્રોને પણ આમંત્રણ અપાઇ ગયા. સૌમાં છલકાતો ઉત્સાહ મને પણ પ્રોત્સાહિત કરી રહ્યો હતો.

અવલોકન

આર્થીક સંકડામણ ભોગવતા પરિવારના બાળકો ભણતર કેવી રીતે જીવનોપયોગી થઇ પડે તે જાણતા ન હતા.
શું, શામાટે કે કેવીરીતે જેવા સાદા સવાલો પણ તેમના મનમાં ઉદભવ્યા નહિ તેનુ મને આશ્ચર્ય થયું.

માર્ગદર્શન ગુજરાત યાત્રા

બાજીપૂરામાં માર્ગદર્શન … ૦૪.૧૨.૦૯

રીપોર્ટ

સવારે સાડા નવે ઉનાઇથી વ્યારા જવા નીકળ્યા. સરસ મજાના રસ્તા પર પવન પાવડીની જેમ મ.મી.મો.વા. ચલાવવાની મજા લઇ રહ્યો હતો.સવા દસે વ્યારા પહોંચીને પીકઅપ સ્ટેન્ડ પર ઉનાઇની સ્કૂલમાં પરિચય થયેલ નિતલબહેનના પિતાજીની અમે પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેઓ અમને વ્યારાની કે કે કદમ કન્યા વિદ્યાલય, એમ પી પટેલ હાઇસ્કૂલ, સાર્વજનિક હાઇસ્કૂલ અને દક્ષિણપથ હાઇસ્કૂલમાં લઇ જવાના હતા. ૪૫ મીનીટની પ્રતિક્ષા બાદ તેમના તથા નિતલબહેનના સેલફોન સાથે સંપર્ક કર્યો પણ સંપર્ક થયો નહિ. પૂછતાં પૂછતા લીસ્ટની પહેલી શાળાએ પહોંચ્યા. આચાર્ય રજા પર હતા. અન્ય કોઇ રસ લઇને નિર્ણય લેતું જણાયું નહિ. વધુ સમય બગડે નહિ તેથી અમે માંડવી નીકળી જવાનો નિર્ણય લીધો. બાજીપુરા થઇને સ્ટેટ હાઇવે પરને સુમુલ, હવે અમુલના પારલર પર નાસ્તો કરવા અને થંડૂ દૂધ પીવા રોકાયા. રસ્તે મારી નજર આર.વી. પટેલ મા. શાળા પર પડી હતી. અમે પહોંચી ગયા. આચાર્ય ભૂપતભાઇ અને ભરતભાઇને મળ્યા. પત્ર વાંચવા આપ્યો. અમારા માટે ચા મંગાવી. ધોરણ ૮ થી ૧૨ ના કુલ ૯૬૦ વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન થયું. ૧૧ વાગે શરૂ થયેલ ફિલ્મ ૧૧.૪૫ વાગ્યે પૂરી થઇ અને તરત જ સવાલ અને જવાબ શરૂ  થયા. અહિંની સાઉન્ડ સીસ્ટમ અતાર સુધીમાં જોયેલી તમામમાં શ્રેષ્ઠ લાગી.

આજે અહિં પરિચય પામેલ શિક્ષિકાબહેન પ્રિયંકા મહિડાના આગ્રહનો સ્વિકાર કરીને તેમને ગામ કડોદની હાઇસ્કૂલના બાળકો માટે ફિલ્મ શો કરવા જવા સાંજે ૫ વાગ્યે નીકળ્યા.

અવલોકન

ચીલા ચાલૂ સવાલોથી દૂર રહીને અર્થપૂર્ણ સવાલો પૂછાયા.
કેટલાક બાળકોની ભાષા ખૂબ જ સ્વચ્છ અને સ્પષ્ટ જણાઇ.
બાળકોને સ્પોકન અંગ્રેજી શીખવવા ખાસ વિદેશથી નિમંત્રેલ શિક્ષકો દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે.

માર્ગદર્શન ગુજરાત યાત્રા

કડોદમાં માર્ગદર્શન – ૨ … ૦૫.૧૨.૦૯

રીપોર્ટ

ગઇ રાત્રે કડોદ હાઇસ્કૂલના આચાર્યને છાત્રાલયમાં રહેતા બાળકો માટે ફિલ્મ શો કરીને આવ્યા બાદ એક માળના નાના ઘરમાં અમારા શયન માટે પહેલે માળ અલાયદી વ્યવસ્થા કરી હતી. લાંબા ગાળાના સીધેસીધા મકાનોની બાંધણી સામાન્ય રીતે બધે જ જોવા મળે. થાકને કારણે હું પડતામાં જ સૂઇ ગયો. સવારે વહેલા ઉઠવાની ટેવને કારણે ૫.૧૫ કલાકે આંખ ખુલી ગઇ. સ્ટેટ હાઇવે પરથી પૂર ઝડપે દોડી જતા ખટારાઓના અવાજ સાંભળી રહ્યો હતો. નીચે સૌ સુતા હતા. તેમને ખલેલ ન પડે તેવી રીતે ઘરની બહાર પાછળ વાડામાં શૌચક્રિયા માટે ગયો. થંડીનો અનુભવ થયો. હજુ તો સાડા પાંચ જ થયા હતા. શૌચક્રિયા પતાવીને હું પાછો ફર્યો. પહેલે માળ પાછળ અગાસીમાં હિચકે બેસીને પ્રાણાયામ કર્યું. થંડા આકાશમાં ઉજાસ થવો શરૂ થયો. સોનેરી અને પીળા રંગના કિરણો વાદળને પંપાળી રહયા હતા. પ્રિયંકા દર શનિવારે સવારની સ્કૂલમાં ફરજ પર જવા તૈયાર થઇ .. હું નીચે ઉતર્યો. તેને આજે થોડૂ મોડૂ થઇ ગયું હતુ. મેં જોયું કે, અમને સુવાની સગવડ આમનાર આ પરિવારના સૌ સભ્યો એક કક્ષમાં થોડી સંકડામણ અને અગવડ સાથે તે રાત્રે સૂતા હતા. મને દુ:ખ થયું. મે પૂછયું કે આવું કેમ કર્યું ? આપણે ત્રણ પુરુષો ઉપર અને આ ચાર બહેનો અહિં એમ સૂતા હોત તો તમને કોઇ અગવડ ન રહેત. જયપાલસિંહ બોલ્યા અરે સાહેબ, અમને અગવડ કેવી ? હું પાથરેલી ચાદર અને બ્લેન્કેટની ગડી કરી રહ્યો હતો. ગ્રામ પંચાયત કોઇ ટેકનીકલ ખામીને કારણે બે દિવસથી પાણીનો પૂરવઠો આપી શકી નહોતી એ સરોજબહેન પાસેથી જાણ્યું. ચા સાથે જીરામસાલાની પૂરી અને પડવાળી બીસ્કીટ .. હસમુખા સ્વાભાવના જયપાલભાઇએ ગ્રામસેવક તરીકેની ફરજ બજાવતાં કરેલ અનુભવોની છૂટક વાતો કરી. અમારે કડોદ હાઇસ્કૂલમાં ધોરણ ૧૧ના ૨૨૯ વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શો કરવાનો હતો.
ફટાફટ … સૌ સ્નાન વિધી પતાવીને શાળાએ સવા આઠે પહોંચી ગયા. આચાર્યે તેમને ગઇ રાતે થયેલ અનુભવને આધારે પૂર્વભૂમિકા બાંધવી શરૂ કરી દીધી હતી. અમે અમારા સાધન–ઉપકરણ ગોઠવી દીધા અને ફિલ્મ શરૂ કરી. ધોરણ ૧૧ના છાત્રાલયમાં રહેતા બાળકો માટે પુનરાવર્તન થયું. હવે મને પણ આટલા અનુભવે સમજાવા લાગ્યું કે શરમાળ બાળકોને વાચાળ બનાવવા શું કરવું.

સવાલજવાબનું સેશન સરસ થયું. છાત્રાલયના બાળકો સાથે ફિસ્ટમાં બરફી, બટાકાવડા, પુરી, દાળ, ભાત, વટાણા અને બટાકાનું શાક, કચુંબર અને પાપડ સાથે જમ્યા. બપોરે ૩.૩૦ કલાકે જયપાલભાઇના પરિવારે અમને માંડવી જવા લાગણીભીની વિદાય આપી. ફરી પાછા કડોદ આવવાનું આમંત્રણ સતત આપતા જ રહ્યા. મારૂ હ્રદય આ મધ્યમવર્ગના પરિવારે અમને આપેલ આતિથ્યને સલામ કરી રહ્યું હતું.

અવલોકન

આદિવાસી પ્રજામાં પણ હવે ધનિક અને નબળા વર્ગ બાળકોના પહેરવેશ પરથી જણાઇ આવે છે.

માર્ગદર્શન ગુજરાત યાત્રા

માંડવીમાં આગમન અને આરામ

૦૫.૧૨.૦૯

ગઇકાલે સાંજે પાંચ વાગે અમે માંડવી આવી પહોંચ્યા. નગરપાલિકાની ઓફિસે ગયા. પાલિકા પ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષને મળ્યા. સિનીયર સીટીઝન્સ કાઉન્સીલના સભ્યો પણ મળ્યા. સૌને પત્ર આપ્યો. માંડવી નાગરિક કો.ઓ. બેન્કના બ્રાન્ચ મેનેજરને પણ મળ્યા. અમારી યાત્રાનો પરિચય, વિગત અને સંક્ષિપ્ત અનુભવ જણાવ્યા. વનવિભાગના રેસ્ટ હાઉસમાં અમારા રોકાણની વ્યવસ્થા પાલિકા પ્રમુખે કરી. સોમવાર અને  મંગળવારે અહિંની હાઇસ્કૂલોમાં ફિલ્મ શો કરવાનું નક્કી થયું. રેસ્ટહાઉસ પર આવ્યા. દરેક કક્ષને એક વૃક્ષનું નામ આપવામાં આવ્યું છે. અમારા રૂમનું નામ ટેટુ !

૦૬.૧૨.૦૯

આજે રવિવાર .. સવારે તાપી નદીને કિનારે સ્થિત આ રેસ્ટહાઉસના પટાંગણમાં ચા પીને પ્રકૃતિ માણી રહ્યા. ગયા સપ્તાહે વપરાયેલા કપડાં તૃપ્તિએ ધોઇ નાખ્યા. સવારના જે શાળાઓમાં ફિલ્મ શો કરવાનું નક્કી કર્યું તેમના આચાર્યો સાથે ફોન પર વાતો કરીને તેમણે કરેલ વ્યવસ્થા અંગે માહિતી મેળવી. નાસ્તો કરી નજીકની ટહેલવા લાયક જગ્યાઓએ ફર્યા. બપોરે આરામ કર્યો. સાંજે માંડવી શહેરમાં ફરવા નિકળ્યા. મારા મિત્રના મોટાભાઇ નિતિનભાઇને ત્યાં ગયા. રાત્રી ભોજન એમની સાથે લીધું. એમના દિકરા અંકિતે ખરીદેલ કીબોર્ડ અને ડ્રમપેડ વગાડીને મારા સંગિતમય ભૂતકાળના સંસ્મરણો તાજા કરી લીધા.

હરિજનવાસમાં બાબા રામદેવના મંદિરે ધજા ચડાવવાના પ્રસંગે હાજર રહ્યો અને લોકોના શ્રધ્ધામય વ્યવહાર જોયા.

માર્ગદર્શન ગુજરાત યાત્રા

માંડવીમાં માર્ગદર્શન – ૨ … ૦૭.૧૨.૦૯

રીપોર્ટ

આજે ઉદયનો જન્મ દિવસ. સવારે ફોન પર ઉદયને શુભેચ્છા આપી. માંડવી હાઇસ્કૂલના આચાર્ય સાથે નક્કી કર્યા મુજબ અમારે શ્રી રાઠોડ અને શ્રી પંચોલીને સવારે ૧૦.૧૫ કલાકે મળવાનું હતું. દૂધ અને કેળાનો નાસ્તો કરીને અમે સમયસર શાળાએ પહોંચી ગયા. બી.એડની વિદ્યાર્થીનીનો એક વર્ગ પહેલા પીરીયડ દરમ્યાન શાળાના મલ્ટીમીડીયા હોલમાં ચાલવાનો હતો. ધોરણ ૧૧ના કુલ ૬ વર્ગના ૫૦૦ વિદ્યાર્થીઓ અને ૫૦ શિક્ષકો માટે રીસેસ પહેલા એક અને રીસેસ બાદ બે એમ ત્રણ ફિલ્મ શોનું આયોજન કર્યું. વિકાસભાઇ અને રમણભાઇ અમારી સાથે હતા.બબ્બે વર્ગના વિદ્યાર્થીઓના ત્રણ બેચમાં ફિલ્મ બતાવી.

અવલોકન

રાજયની સૌથી જૂની શાળાના આ બાળકો મને અત્યાર સુધીમાં જોયેલ તમામમાં બાહ્યરીતે સૌથી વધારે શરમાળ અને આંતરમુખી જણાયા.
તેમાના કેટલાક અતિશય વંઠેલ અને માતાપિતા/શિક્ષકોના કાબૂ બહારના પણ જણાયા.
નામ, કામ અને દામની વાત મહેનત અને મજૂરી શબ્દ સાથે કેવી રીતે સંબંધીત છે તેની ચર્ચા કરતી વખતે થયેલ અનુભવે લાગ્યું કે ગણ્યાગાંઠ્ઠયા ટપોરી જેવી વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓને કારણે બાકીના વિદ્યાર્થીઓને કેટલું નુકશાન થતું હશે.
૧૭ વરસની ઉંમરના છોકરો સવાસો જેટલા છોકરા–છોકરીઓની હાજરીમાં ‘બાળકો પેદા કરવામાં મહેનત પડે‘ જેવી વાત કરે ત્યારે તેના મનમાં સેક્સ કે જાતિયતા અંગેના વિચાર કેટલી હદે વ્યાપી ગયા હશે ?
મારૂ એવું અનુમાન છે કે, કદાચ મારા જેવા અજાણ્યા વ્યક્તિ સાથે સંવાદ કરવામાં તેઓ સંકોચ અનુભવતા હોય પણ એ વાતની ખાત્રી થઇ કે તેમના મનમાં ચીલાચાલૂ ઘરેડમાં જીવાતા જીવનની રીતભાત કે પરંપરા બહારના ભૌતિક સુવિધાની કલ્પનાનો પણ અભાવ હતો. જીવનના ધાર્મિક, વૈજ્ઞાનિક કે આર્થીક પાસાઓની તો વાત જ થઇ ન શકે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

2 Responses to માર્ગદર્શન ગુજરાત યાત્રા 29.11.09 to 07.12.09

  1. tarun કહે છે:

    really amazing & lesson giving to allll.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s